Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
આઈએમડીના જણાવ્યા મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડૂ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં હળવા વરસાદની સંભાવના છે.
16 અને 17 સપ્ટેમ્બરના રોજ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ સુરત, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, 17 સપ્ટેમ્બરના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જેમાં રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 18 અને 19 સપ્ટેમ્બરે પણ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, તાપી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસાદ થયો હતો. સાવરકુંડલામાં વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. રાજુલા શહેરમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકના ડેડાણ, રાયડીપાટી, મુંજીયાસર, જીવાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના શિનોરમાં વરસાદ નોંધાયો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ થયો હતો.
રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા સામાન્ય લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મગફળી અને કપાસમાં લાંબા સમયથી વરસાદ ન આવતા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી હતી. હવે વરસાદ આવતા પાકને પણ નવુ જીવન મળશે.
By Manisha Zinzuwadia Oneindia
source: oneindia.com